કવિતાઓ અને ગઝલો
રમઝાન વિરાણી
૧૬-૦૯-‘૦૬
જીવન ફિફ્ટી – ફિફ્ટી છે
ફિફ્ટી – ફિફ્ટી છે આ જીવન ફિફ્ટી – ફિફ્ટી છે,
કડવાં કારેલાં છે ક્યારેક ટૂટી-ફ્રૂટી છે,
આ જીવન ફિફ્ટી – ફિફ્ટી છે.
માથે ધોળાં આવે એ છે શાણપણનું માપ,
બચેલ કાળાં બિન-અનુભવ ને બાળપણનું માપ;
છેલ્લા ડચકારા લગી શિખતા રહેવાની ડ્યૂટી છે,
કડવાં કારેલાં છે ક્યારેક ટૂટી-ફ્રૂટી છે,
આ જીવન ફિફ્ટી – ફિફ્ટી છે.
પાપથી છલકાતાં જીવનમાં છે ઘણું બધું ધતીંગ,
પુણ્ય-કર્મ એ પાપો ધોનારૂં વોશિંગ-મશીન;
એ ઍકાઉંટની તો ફક્ત ઈશ્વર પાસે ફુટ-પટ્ટી છે,
કડવાં કારેલાં છે ક્યારેક ટૂટી-ફ્રૂટી છે,
આ જીવન ફિફ્ટી – ફિફ્ટી છે.
Someday
Someday will dawn
The day
When the red of blood
Will not clot
On decaying bodies
Of helpless,
Patriotic souls
Scattered
For vultures to feast
On lands unknown.
When the fragrance
Of spring
Will not be smothered
By the smoke
From burning draft-cards,
Because
There won’t be any.
Someday will come
The time
When man
At eventide
Will not have tried
To quench his lusty thirst
With the blood
Of his fellowmen,
But
Will have earned
The bread and broth
He is worth.
And at night
He will sleep
The sleep of a babe
With heavenly dreams
Uncluttered
By cravings insatiable
Of palaces and thrones and crowns
And power and pomp,
Because
There won’t be any.
આશા-દીપ
(મારા અંગ્રેજી કાવ્ય ‘SOMEDAY’ નો ભાવાનુવાદ)
એક સવાર જોશું
એવી કે જ્યારે,
ખૂની જંગમાં ખપીને
સૂકા લાલ રૂધિર થી ચિતર્યાં,
ને દેશભકત નિજ આત્માથી
વિખુટાં પડેલાં,
લાચાર મૃત શરીરો
નહિ દેખાય વિખરેલાં
અજાણી કો‘ રણભૂમિ પર,
ચીલોનો ખોરાક બનવાને.
‘ને વસંતની મીઠી
સુગંધ નહિ ગુંગળાશે
નાશવંત નર્કીય
આગોના ઘુમાડાથી;
કે જંગ નામના રાક્ષસનો
નાશ થઈ ગયો હશે.
એક દિવસ ઉગશે
એવો કે જ્યારે,
સાંજ પડ્યા સુધીમાં
કોઈ માનવે
નહિ સંતોષી હોય
નિજ ક્ષુધા
અન્ય બંધુઓના
રૂદ્ર પી-પીને;
પણ લાયક હશે જે જેટલો
બસ એટલો એ કમાશે
નિજનો રોટલો;
અને દર શાંત રજનીએ
એ ઊંઘશે ઊંઘ
નિર્દોષ ભુલકાની,
સ્વર્ગીય એવાં નિર્વિકાર
સ્વપ્નોમાં રાચતો,
કે જેમાં નહિ મળે અંશ
મહેલો ને ગાદીઓ, ને
મુગટો, ને સત્તા,
ને દોર દમામની
અતૃપ્ત વાસના કે લાલસાનો;
કે એ સર્વ જળ ઝાંઝવાના
સુકાય ગયા હશે.
અમથું કહું છું
વાત બહુ મોટી નથી, અમથું કહું છું,
સાચી છે ખોટી નથી, અમથું કહું છું.
લેનારા બે હાથે મળશે બહુ જનો,
દેનારા ને શોધે વ્યાકુળ લોચનો;
શું તમે સમજી ગયા જે હું કહું છું?
વાત બહુ મોટી નથી, અમથું કહું છું.
કાર્યકર્તાની નજર છે હાર પર,
ને મફતના ભોજનોના થાળ પર;
કોઈ કહી શક્શે કે હું ખોટું કહું છું?
વાત બહુ મોટી નથી, અમથું કહું છું.
ખુરશીનો નહિ મોહ, તો નેતા નથી,
ચુંટણીનાં વચન સિવાય દેતા નથી;
હું તો આને જીભનો જાદુ કહું છું;
વાત બહુ મોટી નથી, અમથું કહું છું.
આપ કહેશો, આપણુ છે કોણ જગમાં?
હીમ સઘળે, તાપણું છે કોણ જગમાં!
છે નિકટસમ એને પણ અળગું કહું છું;
વાત બહુ મોટી નથી, અમથું કહું છું.
પ્રેમીઓને પૂછજો કે પ્રેમ શું છે?
માથું ખંજવાળીને કહેશે, કેમ શું છે?
ના તમે પણ પૂછતાં કે, શું કહું છું!
વાત બહુ મોટી નથી, અમથું કહું છું.
સ્વર્ગ સહુ સમજે છે ઘરના ઓટલાને,
દેવ માને બે વખતના રોટલાને;
જીંદગીનો સાર છે, આખું કહું છું;
વાત બહુ મોટી નથી, અમથું કહું છું.
દુનિયા આજની તો ગપ્પીદાસની છે,
સાચથી છે વેગળી, આભાસની છે;
ખોટું માને છે, જો હું સાચું કહું છું;
વાત બહુ મોટી નથી, અમથું કહું છું.
મુજ સમો દિવાનો નહી મળૅ
વળી આપુ છું એક મોકો,કે સંગી થઇ જાઓ મારા,
ચૂકી જાશો તો તમને સાથ કોઈ બીજાનો નહિ મળે;
મળી રહેશે તમને, બે પળ સાથે ચાલનારાઓ,
પણ જીવનસાથી મુજ સમો કોઇ સદાનો નહિ મળે;
આ શ્વાસ ને ધડકતું દિલ ગાશે ગાન મિલનના,
કદી પૈગામ તમને મુજ થી અલવિદાનો નહિ મળે;
ના વલખાં મારો આમતેમ કોઇ કુબેરની શોધમાં,
કે મારા પ્રેમથી વધીને કોઇ ખજાનો નહી મળે;
ના રોવું પડે કદી તમને ધોળાયેલ દૂધની પાછળ,
મને ખોઇને કિનારો કોઇ વ્યથાનો નહિ મળે;
હર દિવસ કપાશે ચેનમાં રહેતાં મારી સંગાથ,
એકલા ચાલતાં અંત જીવનની નિશા નો નહિ મળે;
શાને બંધ આંખે હંકારો તમે નૈયાને મઝધારે,
આ સુકાની વગર તમને તાગ દિશાનો નહિ મળે;
ના ઉઙો આસમાને, કે ઊંચાઈ છે એની બહુ છલનારી;
ને પછડાશો વળી તો સાથ આ ધરાનો નહિ મળે;
જીવનભર કરતો રહીશ હું ઇબાદત તમ માટે,
ભલેને આસરો મને તમારી દુઆનો નહિ મળે;
કે છું તમ પ્રેમમાં, તો મુજ સમો દિવાનો નહિ મળે,
ને જો વિફરૂં તો , મુજ જેવો દુશ્મન દાનો નહિ મળે;
પૂછતો રહીશ હું આમ તમને, બેવફા, જીવન આખું,
ખબર છે જોકે આમ કે જવાબ ‘હા‘ નો નહિ મળે.
હું વિદુષક છું
રૂદનનો છું હું શત્રુ, ને હાસ્યનો હું આશક છું,
કે હું વિદુષક છું.
નિરસ કંઈક હોઠ મલકાવું,
ધગશના ધોધ છલકાવું,
મૌન પાંજરને રણકાવું,
હૃદયની રાખ ભડકાવું;
રમુજનો રસિયો છું, વ્યાકુળતાનો હું વિનાશક છું,
કે હું વિદુષક છું.
હો દિલમાં છોને લાખ અગન,
ભલેને કોચવાયે મન,
નાચે તોયે મુજ નયન,
કરી સૌ દુઃખોનું દમન,
રહી દાઝીને પોતે, જગની આગો ઠારૂં નિઃશક છું,
કે હું વિદુષક છું.
ચહેરે મેક-અપના રંગો મૂકી,
ઢાંકું હૃદયની વાત અનોખી,
માંડ મળે મુજ રોટલી લુખી,
તોય જગની આંખમાં હું સુખી;
હા, આપી સુખ, હું પામુ છું, હું સુખી બેલાશક છું,
કે હું વિદુષક છું.
મહેમાન થઈ જાશું
ઉભો છું કંઈક દિવસોથી હું તમારા હૃદય દ્વારે,
તમે યજમાન થઈ જાઓ, અમે મહેમાન થઈ જાશું.
નથી ઊંચી બહુ આ પ્યારની મંઝિલ, જો માનો તો,
તમે ભરતાં જાઓ ડગલાં, અમે સોપાન થઈ જાશું.
મળી આંખોથી આંખો જ્યારથી, રણ થઈ ગયા અમે,
હૃદય થી જો હૃદય મળે, ફરી ઉધ્યાન થઈ જાશું.
સૂના સૂરમંદિર સમા હૃદયના છો સૂરકાર તમે,
હર તાનમાં તમારી અમે ગુલતાન થઈ જાશું.
પડે જરૂરતો સમાઓ થઇને રોગ બદનમાં,
તમે જો રોગ થઈ જાશો, અમે નિદાન થઈ જાશું.
કુમાશ પ્યારની કેવી કે દિલ પણ થઈ ગયું મીણનું,
જશે નરમી જો એની તો અમે ચટ્ટાન થઈ જાશું.
મળી પ્રસારીએં ખુશ્બૂ નવીજ પ્રેમની જગમાં,
તમે સૌરભ બની જાઓ, અમે લોબાન થઈ જાશું.
બનીને બેવફા, ઉપર વળી ફરિયાદ ના કરતાં,
તમારૂં કંઈ નહિ બગડે, અમે હેરાન થઈ જાશું.
બનીને રહીએ ચાલો સદા આધાર પરસ્પરનાં,
તમે જો તીર થઈ જાઓ, અમે કમાન થઈ જાશું.
નિકળશે મુખથી તમ શબ્દો તો એ ઝબાન થઈ જાશું,
રહી જાશે જો કંઈ દિલમાં, તો એ અરમાન થઈ જાશું.
તમારી જાન, તમારી શાન, અને ઈમાન થઈ જાશું,
અરે તમ આખરી ઉંઘ કાજે પણ સમશાન થઈ જાશું.
પાણી નથી રૂદનમાં
શું કહી શકું હું મારા આ એક કવનમાં?
વીતી ગઈ છે વાતો હજારો જીવનમાં;
એક આગ જો સળગે, તો કોઈ આંસુઓથી ઠારે,
આગ ઠારે બધી, એટલું પાણી નથી રૂદનમાં.
ફના થઈ જશુ
તમારા સુખને કાજે વેદના થઈ જશું,
સાક્ષાત દર્શન પામવા સપના થઈ જશું;
મિલનની કોશિષોમાં કંઈપણ નહિ રહે બાકી,
આજીવન પામવા તમને અમે ફના થઈ જશું.
તકદીર નથી તો કંઈ નથી
પુરુષાર્થ કરો હજાર, જો તકદીર નથી તો કંઈ નથી,
ખેંચો છોને કમાન જોરથી, એમાં તીર નથી તો કંઈ નથી;
બન્યા માલિક તમે કુબેરના ભંડારના તો શું થયું?
જો એ છતાં પણ દિલ તમારૂં અમીર નથી તો કંઈ નથી.
મન અધુરૂં છે
છે મુજ હાલત ગરીબ, કે મારૂં ધન અધુરૂં છે,
ને રહું છું નાદુરસ્ત, કે મારૂં તન અધુરૂં છે,
હૃદય માં તોય જો ફરિયાદ કોઈ છે તો ફકત એજ
કે તૂ દૂર છે મુજથી, ને મારૂં મન અધુરૂં છે.
હૃદયની હૃદયમાં
થઈ આંખો ચાર, ને થયાં કંઈક ઈશારા,
વધી ગયાં બન્ને હૃદયનાં ધબકારાં,
ચહેરા પર વિદિત થઈ ગઈ કંઈક વાતો,
પણ હર વાત રહી ગઈ હૃદયની હૃદયમાં.
ગિરનાર શું કરે?
હતો ચિનગારીનોજ જ્યાં વાંક ત્યાં અંગાર શું કરે?
અને કણ-કણથી બનેલો મણનો ભાર શું કરે?
રાઈનો થાય પર્વત, જળબિંદુઓ વાદળ થાય,
કહો, જો કાંકરા ભેગા થાય, તો ગિરનાર શું કરે?
સરી જશે
પ્રગટાવ્યો દિપક શાને, ઝટ ઠરી જશે,
આશાઓ દીધી શાને, બધી મરી જશે;
બાંધવી શાને જીવનની ઈમારત એ માટી પર,
ચણતર પૂરૂં થતાં પહેલાંજ જે સરી જશે?
બધાં ગયાં
સારું બધુંજ થઈ જશે, કહીને બધાં ગયાં,
વણમાંગી કેટલી સલા‘ દઈને બધાં ગયાં;
ના કોઈએ દીધો દિલાસો મુંગા સાથનો,
મળશું વળી પાછા ક‘દી,કહીને બધાં ગયાં.
પ્રેમી
કહે ભગવાન ખુદ કે “માંગ,
માંગીલે તૂં ત્રણ વરદાન”,
ખરે, હું તુજને તેજ ઘડીએ
ત્રણે વાર માંગી લઉં!
કંહું શું?
મહોબતમાં કેવી દશા થઈ, કહું શું?
કે રહીને શરમમાં, બેહયા ઠરૂં છું
ખુદા યા! તેં કેવી દિધી છે આ દ્વિધા,
ચુપ રહું કે બોલું, બેવફા ઠરું છું!
હાલત બૂરી થઈ ગઈ
એ ગયાંને મારા મનની વાત અધુરી રહી ગઈ,
ને પ્રેમવિણ મુજ હૃદયવીણા બેસૂરી થઈ ગઈ;
મુજ દિલનું મંદિર દેવતાવીણ સૂનું થઈ ગયું,
ને એ દેવતણા ભક્તની હાલત બૂરી થઈ ગઈ.
અમૃત-રસ કોને કહેતે?
જો રાત નહિ હોતે, તો દિવસ કોને કહેતે?
જો ખરાબી નહિ હોતે, તો સરસ કોને કહેતે?
છે દુઃખ જગમાં, તેથીજ સુખ શું એ જાણો છો!
ન ઝેર હોતે જો, તો અમૃત-રસ કોને કહેતે?
રાખ બાકી રહી ગઈ
મુસ્કાન ગઈ હોઠોથી, રડતી આંખ બાકી રહી ગઈ,
કળીઓ ખરી ગઈ અરમાનોની શાખ બાકી રહી ગઈ;
ફલો સમ જે ખીલ્યું હતું, એ દિલ હવે રહ્યું નથી,
હવે તો એ સળગતા દિલની રાખ બાકી રહી ગઈ.
યાદ આવે છે
મને વીતી ગયેલાં વર્ષો જૂના યાદ આવે છે,
અને અનુભવેલી સર્વે બીના યાદઆવે છે;
ક્યારેક ગિરદી-ઘોંઘાટ-કલ્લોલ માં વિતાવેલાં એ દિન,
ને ક્યારેક શાંત, ગંભિર દિન સૂના યાદ આવે છે.
Couplets
પ્રેમના પાવન ધન સામે દુનિયાની દોલત હીન છે,
પ્રેમ-ધન ના હોય તો મોટો શાહુકાર પણ દીન છે.
——–
રૂપામાં ના રૂપ જોયું, નિરૂપાને રૂપાળી જોઈ,
શ્યામાને મેં ગોરી દીઠી, ગૌરી ને મેં કાળી જોઈ.
——–
ઓ રૂપવતી, ઘમંડ ના કર તુજ જોબનવંતા રૂપ પર,
સંધ્યાકાળે ડૂબી જાય છે સૂરજ પણ ઘડીમાં.
———-
પરદા પર એક્ટ્રેસ મેક-અપથી, રૂપના અંબર સમી લાગે છે,
પણ ઘરમાં જોશો તો એક્ટ્રેસની મમ્મી લાગે છે.
———-
ખરે તૂં ખપનું, સપનું!
હુ: સપનું રે, ઓ સપનું,
તૂ તે શાના ખપનું?
તૂ દાખવે તે તો થાયના,
તૂ કહે તે ખરે સંભળાયના;
જોઉં ફૂલ જે તુજના ચમનમાં,
એ ફૂલ કદી મહેકાય ના;
તારૂં આખું જીવન ગપનું,
રે, તૂ તે શાના ખપનું?
સપનું : માનવ રે, ઓ માનવ,
અમથો નિરાશ થા નવ;
હું દાખવું તે છો થાયના,
ને કહું તે છો સંભળાયના;
તેં જોયા ફૂલ જે મુજના ચમનમાં,
એ ફૂલ ભલે મહેકાય ના!
રોજ સૂરજ ઊગતાંની સાથે,
તુજથી કડવાં વિષ પીવાય છે;
મને રોજ મનમાં થાયે,
તુજથી આમ તે કેમ જીવાય છે?
સોણલે આપું હું અમૃત જે,
એ છો તુજથી ના પીવાય છે;
એ અમૃતની મીઠાશનો
તને આભાસ તો થાય છે!
દિવસે જે ફૂલ મહેકાય તારાં,
તે ક્યારેક તો કરમાય છે;
મુજ અસુવાસિત ફૂલની ભ્રમણા
સદા ખીલી તુજ વ્હારે ધાય છે!
તૂં જાગતાં કેટલું કડવું સૂણે!
ને રડતો રહે તૂં એક ખૂણે;
નસીબનું બીન બસ વાગ્યે જાય,
ને અંધ સર્પ સમો બસ તૂં ધૂણે;
કહે એવું બધું છે ખપનું?
કે મૂલ્ય થયું મુજ ગપનું?
દિનના હું શોર-બકોર પછી,
આવું ને છાનું છપનું?
હું આશાઓનું જન્મસ્થાન છું,
મૃત આશાઓનું સ્મશાન નથી;
મને સત્ય કરવું છે શક્ય,
હું ઝાંઝવાના જળ સમાન નથી.
હું પ્રેરણાનું વહેતું ઝરણું છું,
તૂં નિત કરજે મુજ જળનું પાન;
ને પ્રેરિત થઈ પુરુષાર્થ કરજે,
તુજ જીવન થઈ જાશે ઉધાન;
ખિલશે જેમાં મહેકાતાં ફૂલ,
ફળશે જેમાં મહેનતનાં ફળ,
એ વૃક્ષ પર, જેના સીંચક હતાં
મારીજ પ્રેરણાનાં જળ.
તૂં માન મને તુજ માર્ગદર્શક,
નથી નામ મુજમાં ઉણપનું;
નિત દિનના શોરબકોર પછી,
આવું ને છાનું છપનું?
ઘડીભરમાં ભુલાવી દઉં
લાવ બે-ચાર ઘુંટ, સાકી, હું ઉદરમાં સમાવી દઉં
મને ભુલી ગયા એને ઘડીભરમાં ભુલાવી દઉં
રણમાં જેમ સઘળે દેખાય ઝાંઝવાના જળ
એવા પ્રેમરસથી ભીનું થયેલું દિલ સુકાવી દઉં
મને ભુલી ગયા એને ઘડીભરમાં ભુલાવી દઉં
સુરાલય સમ આ જગમાં સહુ પીએ છે આરામથી
કોઈ આંસું પીએ, કોઇ સુરા પીએ આંખોંના જામ થી
સુરા દુઃખની મેં પીધી છે આ જીંદગીના જામથી
હવે દઈદે દવા, કે પળમાં ઘટઘટાવી દઉં
મને ભુલી ગયા એને ઘડીભરમાં ભુલાવી દઉં
સફર લાંબીછે જીવનની, કોઈ નથી સંગાથમાં
બધાં દુઃખિયા છે મારી જેમ, બધાં છે નિજ પંચાતમાં
પડી કોને છે મારી, કોને રસ છે મારી વાતમાં
ફકત બે-ચાર ઘુંટથી ઉરની હું ઉરમાં સમાવી દઉં
મને ભુલી ગયા એને ઘડીભરમાં ભુલાવી દઉં
મારી મહેફિલ હવે કોઇ શમા વગરની મહેફિલ છે
નથી કોઈ રાહ સુઝતી કે નથી મારી કોઈ મંઝિલ છે
જીવન-મઝધારમાં, સાકી, હવે તુંજ મારો સાહિલ છે
જીવન-નૈયા હું મારી, તારી મદિરામાં ડુબાવી દઉં
મને ભુલી ગયા એને ઘડીભરમાં ભુલાવી દઉં
મા, યાદમાં તારી
મા, તુજ વિણ જીવવું ના ફાવે બહુ મને,
કે યાદ તારી સદા રડાવે બહુ મને.
તારી યાદનો વાસ જ્યાં,
ત્યાં રહે કોઈ કમી ના,
મા, તોય થાય રાત્રિએ
કાં મુજ ઓશિકા ભીના?
મા, નિંદ્રા વેરણ થઈ જગાવે બહુ મને,
કે યાદ તારી સદા રડાવે બહુ મને.
ધન-ધન થાતો મુજ જીવનનો
હર દિ‘ તારા સંગાથનો,
ને બાજરાનો રોટલો પણ
મીઠો લાગે તુજ હાથનો;
મા, તૂં નથી તો કંઈ ના ભાવે બહુ મને,
કે યાદ તારી સદા રડાવે બહુ મને.
તુજ પાએ પડું તો પામું
પ્રસાદ ચરણની રજ નો;
તુજ જ્યોતની સામે ઝાંખો
લાગે પ્રકાશ સૂરજનો;
મા, સોડમાં તારી આંચ ન આવે બહુ મને,
મા, તુજ વિણ જીવવું ના ફાવે બહુ મને.
વખતની વાત છે
મિલનના દિવસો જ્યાં હતાં, આજે વિરહની રાત છે,
એ પણ સમયનો સૂર હતો, આ પણ વખતની વાત છે;
સદા વિજય હોતો નથી જીવન-હોડમાં કોઈના અશ્વનો,
કાલે જો એની જીત હતી, તો આજે એ પણ મ્હાત છે;
મિજાજના ખાં મનુષ્યો શું, પાખંડી શું, ઘમંડી શું?
થઈ જાય સીધા દોર, પડે જ્યારે પ્રારબ્ધની લાત છે!
છે બાચકાં ધુવાળામાં, ને સઘળું ક્ષણભગુંર અહીં,
ધોળાયેલા દૂધ પાછળ, પછી શેનો કલ્પાંત છે?
તોફાન પહેલાં છવાય શાંતિ, જીવનના આ સાગરમાં,
ના એ સદા ખામોશ છે, ના એ સદા અશાંત છે.
ભલભલા સિકંદરો ભોંયભેગા થઈ ગયાં,
વખતની સામે જીતી શકે એવી કોની વિસાત છે?
આ કળજુગમાં મદદનો હાથ લંબાવે કોઈ તો ચેતજો,
બેઠા વગર સુવે ન કોઈ, એ વાત જગવિખ્યાત છે.
હજારો શેતાનો ભલે કરે પ્રહારો સામટાં,
ના વાળ વાંકો થાય એનો, ઈશ્વર જેનો તાત છે.
બે‘નડી બાંધે રે રાખી
ઓ ભાઈ, તને બે‘નડી બાંધે રે રાખી (11)
એ તો હૃદયમહી ઉભરાતા વા‘લની નિશાની,
ઓ વીરા, તારા પ્રેમમાં બની હૂં દિવાની;
ભલે બાંધું નહિ, બંધુ, તને હાર નવલાખી,
ઓ ભાઈ, તને બે‘નડી બાંધે રે રાખી.
એ રાખડીની એકે જોજે પાંખડી છૂટેના,
ને પાંખડીને બાંધતી આ દોરી તૂટેના;
પ્રેમ-બંધન છે એ, સદા રાખજે રે આખી,
ઓ ભાઈ, તને બે‘નડી બાંધે રે રાખી.
ભૂલજેના, રાખીનો બંધન નિભાવજે,
ને પ્રેમતણી ઉજ્જવળ તૂં જ્યોત પેટાવજે;
ન પડવા દેજે એને લગીરે ઝાંખી,
ઓ ભાઈ, તને બે‘નડી બાંધેરે રાખી.
અર્પણ થઈ ગયું
તમે આવ્યાં ને પાવન મારા ઘરનું આંગણ થઈ ગયું,
ગઈ આંખોથી ઉંઘ, દિલ બિચારૂં વેરણ થઈ ગયું.
સૂરજની રોશની પામી, ખીલે છે જેમ ચંદ્રમા,
પડી છાયા તમારી, ને ઝળકતું દર્પણ થઈ ગયું.
એ દિવસો પણ હતાં, જ્યારે સમય ગયો હતો થંભી,
તમારા આવવાથી હર દિવસ એક ક્ષણ થઈ ગયું.
મિલન પહેલાં હતું આ જીવન મારૂં સૂકી ધરતી સમ,
તમે સીંચ્યું જો એને, હરિયાળું એ રણ થઈ ગયું.
સ્વજન કણ-કણ થયું, શત્રુઓ સંગ સગપણ થઈ ગયું,
આ ધનના આગમનથી જૂદું કેમ વલણ થઈ ગયું?
કફનનું થાયે વાવેતર, ફળે ત્યાં કેમ પાનેતર?
ફળ્યું એજ વૃક્ષ જેના બીજનું રોપણ થઈ ગયું.
કૃપાઓના તમારી, બદલામાં આપું તો શું આપું?
હતું જીવથીયે કિંમતી જે, હૃદય અર્પણ થઈ ગયું.
મઝાર શોધું છુ
મઝધારમાં છું, સાહિલનો સહકાર શોધું છું,
જીવન-નૈયા અસ્થિર છે, આધાર શોધું છું.
લક્કડની નિર્દય લાઠી પણ દે છે અંધનો સાથ,
એથીજ તો પરાયાઓમાં યાર શોધું છું.
ફૂંકવી છે ફરી જાન મારે, મૃત આશાઓમાં,
અરમાનોના શબોની એ મઝાર શોધું છું.
રણમાં ભૂલો પડેલો, મૃગજળની કરે આશા,
જીવનની પાનખરમા પણ ફૂલોના હાર શોધું છું.
કદી પ્રકાશ ના જોયો, સદા પામ્યો છે મેં અંધકાર,
જીવનની સંધ્યાએ તેથીજતો સવાર શોધું છું.
આ કથની કેવી મારી, અર્થનો અણસાર ના મળે?
જીવન જીવી લીધું, ને તોયે એનો સાર શોધું છું!
બદલે મુરલીના સૂર
જીવનમાં હરપળે સંભળાય છે એવી મધુર મુરલી,
જેની હર તાનમાં પડઘાં પડે છે દિલની ઘડકનના;
જીવનમાં હરપળે સંભળાય છે એવી મધુર મુરલી.
સમય સુખનો જો હોય તો મધુરી તાન લાગે છે,
હૃદય પણ બે ઘડી એ તાનમાં ગુલતાન લાગે છે;
નથી કંટક જણાતું કંઈ, બધું ફૂલ-પાન લાગે છે,
હરેક ફૂલની કળીના હોઠપર મુસ્કાન લાગે છે;
જીવનમાં હરપળે સંભળાય છે એવી મધુર મુરલી.
હો મન ગમગીન તો સંભળાય છે હર સૂરમાં રૂદન,
હવાના હાસ્યમાં, હર ફૂલના અંકુરમાં રૂદન;
કોઈ પણ સ્મિતનું જાદુ નથી થાતું એવા દિલપર,
દિસે છે વિષ અમૃતમાં અને વ્યાકુળ રહે છે મન;
જીવનમાં હરપળે સંભળાય છે એવી મધુર મુરલી,
જેની હર તાનમાં પડઘાં પડે છે દિલની ધડકનના.
સહારા સુધી
મારી ફરિયાદનાં પડઘાં ગયા સિતારા સુધી,
બધે ગયાં, ફકત નહિ ગયા તમારા સુધી.
હોઠે આવી નહિ, સૌ વાતો હૃદયમાંજ રહી,
કાફલો પ્રેમનો પહોંચ્યો ફકત ઈશારા સુધી.
તરી ગયા તમે, અમને મૂકીને મઝધારે,
હતી એ આશકે સાથ આપશો કિનારા સુધી.
હૃદયને બાળીને પહેલાં તો કર્યું રાખ એને,
હવે એ રાખને ના કૂંકશો અંગારા સુધી.
સાથી વિણ હું તો છું, લાઠી વગરના અંધ સમો,
સહારો આપી, લઈ જાઓ મને સહારા સુધી.
મને જગાડશો ના કોઈ
મધુર સ્વપ્ન રહ્યો છું જોઈ, મને જગાડશો ના કોઈ,
આ સુખ સત્ય ભલે ના હોય, એને બગાડશો ના કોઈ,
મને જગાડશો ના કોઈ.
છે દુર્લભ જેમના દર્શન, સમાયા છે રગેરગમાં,
હૃદયના મોંઘેરા મહેમાનને ભગાડશો ના કોઈ,
મને જગાડશો ના કોઈ.
સજાવ્યું ભસ્મ જીવનને ફરી રંગીન ફલોમાં,
ભલે સાચાં નથી, આગ એમને લગાડશો ના કોઈ,
મને જગાડશો ના કોઈ.
ચકોર ચક્ષુ નહિ ભાળે, દેખે ફકત મિચેલી આંખો,
મુજથી એ સુંદર શમણાને સંતાડશો ના કોઈ,
મને જગાડશો ના કોઈ.
શાંતિની મુરલીના મધુર હું તાન માણુ છું,
નગારાં દુઃખ ને દર્દના વગાડશો ના કોઈ,
મને જગાડશો ના કોઈ.
છું સ્વપ્ન-દેશમાં સંતાયો હું ભૂત ને વર્તમાનથી,
જગાડી મને, ભવિષ્ય-દ્વાર ઉઘાડશો ના કોઈ,
મને જગાડશો ના કોઈ.
છું સ્વપ્ન-સૃષ્ટિમાં, તો સૌ દાવમાં જીત છે મારી,
જાગૃત જીવન-જુગાર ના દાવ માંડશો ના કોઈ,
મને જગાડશો ના કોઈ.
મોસમને મહેકાવી જશે
ગયું બચપણ, આવી જવાની, બુઢાપો પણ આવી જશે,
ને એક દી’ જીવનનો છેલ્લો ડચકારો આવી જશે;
ઓ મન મારા! તૂં લોકોના વર્તાવની ફરિયાદ ના કર,
ધીરે ધીરે કડવા ઘૂંટડા પીવાનું પણ ફાવી જશે;
ગ્રિષ્મ, શિષિર ને વર્ષા નાં તોફાનો છોને આવ્યા કરે,
ક્યારેક તો એ વસંતરાણી મોસમને મહેકાવી જશે;
છોને છાયો છાંયડો અંધકારનો, તુજ જીંદગીના દિવસોમાં,
એક સોનેરી સવાર તુજ દિલના દીપકને પ્રગટાવી જશે;
તૂં કિશ્તી તારી લઈને ઝુકાવ, ને તોફાનોનો સામનો કર,
શું ઉપરવાળો એમજ આવીને તને તરાવી જશે?
ફૂલવાડીમાં
મઘઝરતાં મેં ફૂલ જોયાં, મનગમતાં રંગરંગીલાં,
આસ પાસ ઊડતાં પતંગિયાં હતાં હર્ષથી ઘેલાં;
અખંડ પ્રેમ હતો તેમનો, હતાં લીન એકબીજામાં,
એ મધુર પ્રેમ ના ધોધને ભાળ્યો મેં ફૂલવાડીમાં.
ત્યાં તીવ્ર નજર પડી હરિયાળી પર,
અને પ્રેમ-ધિકકારમાં દેખ્યું અંતર;
જંગ જામેલો જોયો મેં બે જંતુઓમાં,
એ જંગનો ઝેરપણ માણ્યો મેં ફૂલવાડીમાં.
લો શીખામણ આમાંથી, બાળકો તમામ,
વહાવો હમેશા પ્રેમ-તણા અમૃતની પ્રવાહી;
ના રાખશો ઝેર વેરનું તમ દિલમાં કદી,
કરો નામ જગમાં બની ભાઈ-ભાઈ.
ગુલઝાર કરૂં છું
એટલાં યુગ વીત્યાં એમની વાટ જોઇ જોઇ,
કે ભુલી ગયો છું, કોનો ઈંતેઝાર કરૂં છું;
ટહેવાઈ ગયો છું એવો હું એમના વિયોગ થી,
કે વિષને અંમૃત, વિરાનને ગુલઝાર કરૂં છું;
દર્શન નથી દીધાં કદી સાકાર રૂપમા,
તેથીજ એમનો સ્વપ્નમાં દીદાર કરૂં છું;
હા, ચાહું છું તમને હું દિલોજાનથી, દિલબર
એ વાત નો હું ક્યારે ઈન્કાર કરૂં છું?
અમારી પ્રીતના ગુલશનમાં સદા રહે બહાર,
એજ દુઆ હું હવે, પરવરદીગાર કરૂં છું;
મેં સીંચ્યુ ચમન પ્રેમનુ ને પુષ્પો ખીલ્યાં,
ખરશે ફુલ, તો એ કહેશે કે હુંજ ખાર કરૂં છું!
એ અન્યાયનો વિરોધ હું અપાર કરું છું,
એથીજ તો હું હરપળે વિચાર કરૂં છું:
કે,
વાગ્યા તમારી નજરો ના તીર, હું વિંધાઇ ગયો,
આક્ષેપ તોય એ છે કે હું પ્રહાર કરૂં છું !
રાખ બાકી રહી ગઈ
મુસ્કાન ગઈ હોઠોથી, રડતી આંખ બાકી રહી ગઈ,
કળીઓ ખરી ગઈ અરમાનોની શાખ બાકી રહી ગઈ;
ફલો સમ જે ખીલ્યું હતું, એ દિલ હવે રહ્યું નથી,
હવે તો એ સળગતા દિલની રાખ બાકી રહી ગઈ.
યાદ આવે છે
મને વીતી ગયેલાં વર્ષો જૂના યાદ આવે છે,
અને અનુભવેલી સર્વે બીના યાદઆવે છે;
ક્યારેક ગિરદી-ઘોંઘાટ-કલ્લોલ માં વિતાવેલાં એ દિન,
ને ક્યારેક શાંત, ગંભિર દિન સૂના યાદ આવે છે.
સપનું વિખરાય ગયું
ન્હોતું કહેવું હોઠોથી તે આંખોથી કહેવાય ગયું,
બાકી રહ્યું તે ચહેરાના દર્પણ પર વંચાય ગયું;
છતું થઈ ગયું સઘળું, કંઈ પણ છાનું રહ્યું નહિ,
અંતરમાં હતું તેય એમના અંતરથી વર્તાય ગયું.
હૃદયને સાચવીને ચખવાની ખાધી’તી કસમ,
પણ એમણે માંગ્યું ને મુજથી એ અપાય ગયું;
કે વર્ષોથી તાકેલું હતું તીર એમના કમાનમાં,
મારૂં નિકળવું, એમનું જોવું, અને ઉર વિંધાય ગયું.
કયારે છુપૂં રહ્યું છે પળભર ફૂલનું ખીલવું,
આવી વસંત, હસી કળીઓ, ને ચમન મહેકાય ગયું;
પણ યુગો પછી ફૂલ જો ખિલ્યું તો કેવું ખિલ્યું,
કે પળભરની બહારની રોનક પછી કર્માય ગયું;
જાણે ચગી સપનામાં મહેફિલ એમના ઈંતેઝારમાં,
ને એમના આગમન ટાણેજ સુંદર સપનું વિખરાય ગયું.
સુકાની શોધું છું
કરેલાં ઉપકારોની આજ કદરદાની શોધું છું,
દોસ્તોમાં વિવેકની નિશાની શોધું છું.
કરૂં છું ભૂલ હૂં મોટી એ વારંવાર જીવનમાં,
કે હર વાત માં હું ભૂલ બીજાની શોધું છું.
ભુલીને સ્વાર્થ આપે, આપીને જાય જે ભુલી,
હું દાનીઓમાં એવો એક દાની શોધું છું.
મિલનમાં ના ચગે, એવો ચગે છે પ્રેમ વિરહમાં,
એથીજ તો વેળા સદા વિદાની શોધું છું.
બને છે બીજ બચપણનાં, છોડવાં જવાનીમાં,
થાયે ફળદ્રુપ વૃક્ષ ઘડપણમાં, એ જવાની શોધું છું.
મળે છે ખૂબ જીવન-નૈયાને ડૂબાડનારાઓ,
તરાવી જાય એને એવો હું સુકાની શોધું છું.
મારો સાહ્યબો (ગરબો)
મારો સાહ્યબો છે સૌથી રૂપાળો રે,
નથી પાતળો કે નથી એ જાડો રે, મારો સાહયબો…
૧) કાયા પડછંદ અને વાંકળિયા વાળ છે,
સુંદર ચેહરા પર તેજસ્વી કપાળ છે;
નથી ઉજળો (11) કે નથી એ કાળો રે, મારો સાહયબો…
૨) ચમકંતો ચાંદો વસે જેમ ગગનમાં,
ચાંદો એ મારો વસે મારારે મનમાં;
હું છું રાણી (11) ને એ છે મારો રાણોરે, મારો સાહયબો…
૩) કેમ ના રંગાઉં હું એના રે રંગમાં,
રમવો છે રાસ મારે એના રે સંગમાં;
સંગ એનો (11) લાગે છે રઢિચાળો રે, મારો સાહયબો…
૪) નેણમાંથી એના રે તણખાં ઝરે છે,
બોલે છે જ્યારે તો ફુલડાં ખરે છે;
એના ગુણના (11) સાગરનો નથી આરો રે, મારો સાહયબો…
૫) મોહી પડીરે હું તો એની મુસ્કાન પર,
રાધા થઈ ઘેલી જેમ કાનાની તાન પર;
હું છું ગોપી (11) એ મારો મુરલીવાળો રે, મારો સાહયબો…
૬) ઓળખ હું આપુ એની કેમ કરીને,
રહું છું સદા એને હૈયે ધરીને;
મારો ભાઈ (11) થશેરે એનો સાળો રે,
મારો સાહયબો છે સૌથી રૂપાળોરે.
ચાલ્યો હું બહાર છોડીને
ખૂબ કોશિષ કરી થાક્યો, ન ઝણઝણાવી શક્યો તો પણ,
ચાલ્યો પછી હૃદયવીણાના તાર તોડી ને;
ખૂબ પ્રસરી રહી હતી ચોમેર વસંતી ફૂલોની મહેક,
મુજ સુધી ન પહોંચી તો ચાલ્યો હું બહાર છોડીને;
અજબ અશાંતિ જોઈ મેં જ્યારે સાગર-કિનારા પર,
ચાલ્યો મઝધાર તરફ પાર ને પડથાર છોડીને;
સભર સંસારમાંય ભોગવી અકળ એકલતા મેં,
જીવન-પથ પર તેથી એકલો ચાલ્યો વણઝાર છોડીને;
ફૂલોની સોડે સંતાયેલ કંટક ખૂબ ખૂંચ્યા જ્યારે,
ચાલ્યો ચમનથી દૂર હું ફુલોના હાર છોડીને;
હમેશા ખોટ ખાધી, કદી ન જોયો ઈશ્કમાં નફો,
એથીજ ચાલ્યો હું આ પ્યારનો વેપાર છોડીને.
મારો ભારત દેશ
ભારત દેશ આ મારો, દુનિયાભરથી સારો છે;
કારણ ના પૂછશો, કારણકે એ મારો છે!
હિન્દુ, મુસ્લિમ, સિખ, ઈસાઈ સંગ અહીં વસે છે,
સૌ ભારત-માનાં અગત્યના અંગ થઈ હસે છે;
ભલે અથડાતાં ક્યારેક, ઠામ થઈ એક ઘરનાં,
ટાણું આવ્યે ખભે ખભાં મેળવી ધસે છે.
છે ધર્મ સૈંકડો, પણ ધ્યેય છે એક સૌનો,
નથી ઊંચ કે નીચ, છે ઉદેશ એક સૌનો;
જાણે અસંખ્ય નદીઓ વહેતી જાય છે,
પણ છે મૂળ ને મુખ-પ્રદેશ એક સૌનો.
સર્વોચ્ચ સંતોનું પાક આ જન્મ-સ્થાન છે,
કાલીદાસ, ટાગોર સમા હીરાની ખાણ છે;
પામી શકે ના કોઈ એવી છે આ સંસ્કૃતિ,
દુર્લભ ફૂલોથી ભર્યું ભર્યું આ ઉધાન છે.
પરદેશની ધરતી ઉપર પણ જો ભમું છું,
દેશ-પ્રેમે હું, તિરંગા, તનેજ નમું છું;
આ પ્રેમ નિઃશક છે આપણો પરસ્પરનો,
નિશ-દિન મને લાગે કે હું ય તને ગમું છું!
છે તુજથી શાણી એ
કદીના કહેશો કે છે સ્ત્રીની બુધ્ધી પગની પાનીએ,
અક્કલમંદ ખુદને જાણતા, ઓ પુરુષ, છે તુજથી શાણી એ!
કરી નખરા, નચાવી નૈન, એ તુજને નચાવે છે,
મહેકતી ઝુલ્ફની રંગત રચી તુજને ફસાવે છે;
ઉતારતી આવી છે હમેશા ભલભલાના પાણી એ,
અક્કલમંદ ખુદને જાણતા, ઓ પુરુષ, છે તુજથી શાણી એ!
ખરેખર! નારની, કરતાર, તારી છે અજબ રચના,
એની મુસ્કાન છે નકલી, અને આંસુ મગર-મચ્છના;
કરી યુકતી હસે છે, ને રડે છે જાણી જાણી એ,
અક્કલમંદ ખુદને જાણતા, ઓ પુરુષ, છે તુજથી શાણી એ!
એના હથિયારોની વિવિધતાની કોઈ નથી સીમા,
કોઈ ઝહેરી ને ઝડપી, ને કોઈ બહુ મિષ્ટ ને ધીમા;
ઘડીભરમાં કરે પામર પુરૂષને પાણી-પાણી એ;
અક્કલમંદ ખુદને જાણતા, ઓ પુરુષ, છે તુજથી શાણી એ!
કહો, છે કોણ, જે હર પળ કરે જે મનને ફાવે તે,
છતાં બલિદાનની દેવી તણી અસર જમાવે તે;
નથી અમથી બની બેઠી હરેકના દિલની રાણી એ;
અક્કલમંદ ખુદને જાણતા, ઓ પુરુષ, છે તુજથી શાણી એ!
સુંદર અભિવ્યકતિ!
Vishwadeepbhai,
Thanks for re-lighting Aashadeep with your generous comment.
Ramzan Virani